Pages

Subscribe:
  • નરસિંહ મહેતા

    આદિ કવિ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમા સંભવત : 1414-1480 માં વડનગરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમના પિતાનુ નામ કૃષ્ણદાસ અને માતાનું નામ દયાકોર હતું એમ માનવામાં આવે છે. નરસિંહ મહેતા ત્રણ વર્ષના હતાં...

  • બજરંગદાસ બાપા

    બાપાસીતારામ - બજરંગદાસ બાપાનો જન્મ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનાં આધેવાડા ખાતે રામાનંદી સાધુ હીરાદાસને ઘરે થયો હતો. તેમની માતાનું નામ શિવકુંવરબા હતું. પિતા હીરાદાસને ત્રણ પુત્રો હતા તેમાંના એક બજરંગદાસ બાપુ. બજરંગદાસ બાપાનું સાંસારિક નામ ભક્તિરામ હતું...

  • મેકરણ દાદા

    આપણા સૌરાષ્ટ્રની ભૂમિ મહાપુરુષોને કારણે ઘણી પાવન છે. તેમજ ગુજરાતના અન્ય પ્રદેશોમાં પણ મહાન સંતો થઈ ગયા છે. એવા એક મહાન ઓલિયા સંત શ્રી દાદા મેકરણ ક્ચ્છ પ્રદેશ માં ૧૭મી સદીમાં થઈ ગયા હતાં. સંત દાદા મેકરણ નો જન્મ ક્ચ્છ જીલ્લાના ધ્રંગ ગામે ભાટ્ટી રાજપૂત હરગોપાલજીના ઘરે...

Showing posts with label ગંગાસતીના ભજનો. Show all posts
Showing posts with label ગંગાસતીના ભજનો. Show all posts

27 April 2017

પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું - ગંગાસતી

પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું, 
ને આપું જોને નિર્મળ જ્ઞાન રે,
જનમવા મરવાનું તમારું મટાડીને 
ધરાવું અવિનાશીનું ધ્યાન રે ... પરિપૂર્ણ.

નામરૂપને મિથ્યા જાણો ને 
મેલી દેજો મનની તાણાવાણ રે,
આવો બેસો એકાંતમાં ને તમને, 
પદ આપું નિર્વાણ રે ... પરિપૂર્ણ.

સદા રહો સતસંગમાં ને 
કરો અગમની ઓળખાણ રે,
નુરત સુરતથી નિજ નામ પકડીને 
જેથી થાય હરિની જાણ રે ... પરિપૂર્ણ.

મેલ ટળે ને વાસના ગળે, 
ન કરો પુરણનો અભિયાસ રે,
ગંગા રે સતી એમ બોલિયાં, 
થાય મૂળ પ્રકૃતિનો નાશ રે ... પરિપૂર્ણ.

પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે - ગંગાસતી

પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે,
ત્યારે સાધના સર્વ શમી જાય રે,
કરવું એને કાંઈ નવ પડે ને
સહજ સમાધિ એને થાય રે ... પાકો પ્રેમ

કર્તાપણું સર્વે મટી જાય ત્યારે,
જગત જૂઠું જાણ્યું ગણાય રે,
અંતઃકરણમાં ભક્તિ આવે નિર્મળ 
ત્યારે ખરી દૃઢતા બંધાય રે ... પાકો પ્રેમ

કોઈ પ્રપંચ એને નડે નહીં,
જેના મટી ગયા પૂર્ણ વિકાર રે,
અંતરમાંથી જેણે મર્યાદા ત્યાગી,
અટકે નહીં જગત વ્યવહાર રે ... પાકો પ્રેમ

શુદ્ધ વચનમાં સુરતા બંધાણી ને
મટી ગયા વાદવિવાદ રે,
ગંગાસતી એમ બોલિયાં પાનબાઈ,
એને આવે સુખ સ્વાદ રે ... પાકો પ્રેમ

પી લેવો હોય તો રસ પી લેજો - ગંગાસતીપી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ
પિયાલો આવ્યો ભક્તો કાળનો
વખત વીતી ગયા પછી પસ્તાવો થાશે ને
અચાનક ખાશે તમને કાળ રે .... પી લેવો હોય

જાણવી રે હોય તો વસ્તુ જાણી લેજો પાનબાઈ
નહિંતર જમીનમાં વસ્તુ જાશે રે,
નખશીખ ગુરુજીને હૃદયમાં ભરીએ રે
ઠાલવવાનું ઠેકાણું કહેવાશે રે ... પી લેવો હોય

આપ રે મૂવા વિના અંત નહીં આવે ને
ગુરુ જ્ઞાન વિના ગોથાં ખાશે રે,
ખોળામાં બેસાડી તમને વસ્તુ આપું
આપવાપણું તરત જડી જાવે રે .... પી લેવો હોય

વખત આવ્યો છે તમારે ચેતવાનો પાનબાઈ
મન મેલીને થાઓ હોંશિયાર રે,
ગંગા સતી એમ બોલિયા રે
હેતના બાંધો હથિયાર રે .... પી લેવો હોય

પદમાવતીના જયદેવ સ્વામી - ગંગાસતીપદમાવતીના જયદેવ સ્વામી
તેનો પરિપૂર્ણ કહું ઈતિહાસ રે,
એકાગ્ર ચિત્તે તમે સાંભળજો પાનબાઈ, 
એ તો થયાં હરિનાં દાસજી ... પદ્માવતીના.

ગીત ગોવિંદનું જયદેવે કીધું, 
જેનું નામ અષ્ટપદી કહેવાયજી,
પદ પદ પ્રતે ભક્તિરસ પ્રગટ્યો, 
જેથી પદમાવતી સજીવ થાયજી ... પદ્માવતીના.

ગોપીયું ને કૃષ્ણની લીલા લખતાં, 
જયદેવ રહ્યા જોને સમાય જી,
સ્વહસ્તે આવીને ગોવિંદ લખી ગયા, 
પ્રત્યક્ષ હસ્તપ્રત માંહ્યજી ... પદ્માવતીના.

ભક્તિ એવી પરમ પદદાયિની 
તમને કહું છું, સમજાયજી,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ, 
તો જીવ મટીને શિવ થાયજી .... પદ્માવતીના.

નવધા ભક્તિમાં નિર્મળ રહેવું - ગંગાસતીનવધા ભક્તિમાં નિર્મળ રહેવું 
ને રાખવો વચનનો વિશ્વાસ રે
સતગુરુને પૂછીને પગલાં રે ભરવાં 
ને થઈને રહેવું એના દાસ રે ... નવધા ભક્તિમાં

રંગ ને રૂપમાં રમવું નહીં 
ને કરવો ભજનનો અભ્યાસ રે,
સતગુરુ સંગે નીર્મળ રહેવું 
ને તજી દેવી ફળ કેરી આશ રે .... નવધા ભક્તિમાં

દાતા ને ભોક્તા હરિ એમ કહેવું 
ને રાખવું નીર્મળ ધ્યાન રે,
સતગુરુ ચરણમાં શીશ રે નમાવવું 
ને ધરવું ગુરુજીનું ધ્યાન રે ... નવધા ભક્તિમાં

અભ્યાસીને એવી રીતે રહેવું 
ને જાણવો વચનનો મરમ રે
ગંગા સતી એમ બોલિયા પાનબાઈ, 
છોડી દેવાં અશુધ્ધ કરમ રે .. નવધા ભક્તિમાં

ધ્યાન ધારણા કાયમ રાખવી - ગંગાસતીધ્યાન ધારણા કાયમ રાખવી, 
ને કાયમ કરવો અભ્યાસ રે,
ભાળી ગયા પછી તૃપત ન થાવું, 
ને વિશેષ રાખવો ઉલ્લાસ રે ... ધ્યાન.

ગુરુના વચનમાં સાંગોપાંગ ઊતરવું; 
ને કાયમ કરવું ભજન રે,
આળસ કરીને સુઈ નવ રહેવું, 
ભલે કબજે કર્યું પોતાનું મન રે ... ધ્યાન.

આઠે પહોર રે'વું આનંદમાં, 
જેથી વધુ ને વધુ જાગે પ્રેમ રે;
હંમેશા અભ્યાસ મૂકવો નહિ, 
ને છોડી દેવું નહિ નેમ રે ... ધ્યાન.

નિત્ય પવન ઊલટાવવો, 
ને રમવું સદા હરિની સંગ રે,
ગંગાસતી એમ બોલિયાં રે, 
પછી ચડે નહિ દૂજો રંગ રે ... ધ્યાન.

દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું - ગંગાસતીદળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું 
ને એવું કરવું નહિ કામ રે,
આપણી વસ્તુ ન જાય અવસ્થા 
ને એ જવાનું લેવું નહિ નામ રે ... દળી દળીને.

સેવા કરવી છેલ્લા જનમવાળાની 
ને ભજનમાં જોવા સંસ્કાર રે,
જોવા પૂરવનું પુરૂષારથ હોય એહનું 
ને તો મેળવવો વાતનો એકતાર રે .... દળી દળીને.

વિષયવાળાને આ વાત ન કહેવી, 
ને એથી રાખવું અલોપ રે,
દેખાદેખી એ મરને કંઠી બંધાવે, 
ને શુદ્ધ રંગનો ચડે ના ઓપ રે ... દળી દળીને.

ઉત્તમ જો કર્મ કરે ફળની આશાએ 
ને એવાને ન લાગે હરિનો લેશ રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે 
એઓ ક્યાંથી ભાળે અખંડ દેશ રે ... દળી દળીને.

ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો - ગંગાસતીઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ, 
પછી પસ્તાવો થાશે રે;
અગમ અગોચર રસનું નામ છે, 
એ તો પુરણ અધિકારીને ઠેરાશે ... ઝીલવો જ હોય

માન રે મેલ્યા પછી રસ તમને મળશે પાનબાઈ! 
જુઓને વિચારી તમે મનમાં રે,
દૃશ્ય પદારથ નથી રે'વાના પાનબાઈ, 
સુણો ચિત્ત દઈને વચનમાં રે... ઝીલવો જ હોય.

આ તો ગુંજાનો લાડવો પાનબાઈ, 
અહંભાવ ગયા વિના ન ખવાય રે.
કોટિ જનમની મટાડો ઝંખના ત્યારે, 
જાતિ રે પણું વયું જાય ... ઝીલવો જ હોય.

દૃષ્ટિ રાખો ગુપત ચાખો પાનબાઈ, 
તો તો સહેજે આનંદ વરતાય રે,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ, 
આપમાં આપ મળી જાય ... ઝીલવો જ હોય.

જ્યાં લગી લાગ્યાનો ભય રહે - ગંગાસતીજ્યાં લગી લાગ્યાનો ભય રહે મનમાં,
ત્યાં લગી ભગતિ ન થાય રે,
શરીર પડે વાકો ધડ લડે,
સોઈ મરજીવા કહેવાય રે ... જ્યાં લગી 

પોતાનું શરીર માને નહીં મનનું,
શરીરના ધણી મટી જાય રે,
સદગુરુ ચરણમાં શીશ નમાવે 
ત્યારે પૂરણ નિજારી કહેવાય રે ... જ્યાં લગી

નવધા ભક્તિમાં નીર્મળ રહેવું ને
મેલી દેવી મનની તાણાતાણ રે,
પક્ષાપક્ષી નહીં હરિ કેરા દેશમાં 
એનું નામ જ પદની ઓળખાણ રે ... જ્યાં લગી

અટપટો ખેલ આ ઝટપટ સમજાય ના 
એ તો જાણવા જેવી છે વાત રે,
ગંગા સતી એમ બોલિયા પાનબાઈ,
ત્યારે મટી જાયે સાચે જાત રે ... જ્યાં લગી

જુગતીને તમે જાણી લેજો પાનબાઈ - ગંગાસતીજુગતીને તમે જાણી લેજો પાનબાઈ,
મેળવી વચનનો તાર રે,
વચનરૂપી દોરામાં સુરતાને બાંધો
ત્યારે મટી જશે જમના માર રે ... જુગતી

જુગતી જાણ્યા વિના ભક્તિ ન શોભે 
ને મર્યાદા લોપાઈ જાય રે,
ધરમ અનાદિનો જુગતીથી ખેલો તો
જુગતીથી અલખ જણાય રે ... જુગતી

જુગતીથી સહેજે ગુરુપદ જડે ને,
જુગતીથી તાર બંધાય રે,
જુગતીથી ત્રણ ગુણ નડે નહીં ને
જુગતી જાણ્યેથી પાર જવાય રે ... જુગતી

જુગતી જાણે તેને રોકે નહીં કોઈ
તે તો હરિ સમ બની જાય રે,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ,
તેને નમે જગનાં નરનાર રે ...જુગતી

જીવ ને શિવની થઈ એકતા - ગંગાસતીજીવ ને શિવની થઈ એકતા 
ને પછી કહેવું નથી રહ્યું કાંઈ રે,
દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને તે 
સમાઈ રહ્યો સુનની માંય રે ... જીવ ને.

તમે હરિ હવે ભરપૂર ભાળ્યા 
ને વરતો કાયમ ત્રિગુણથી પાર રે,
રમો સદા એના સંગમાં 
ને સુરતા લગાડો બાવન બાર રે ... જીવ ને.

મૂળ પ્રકૃતિથી છૂટી ગયા 
ને તૂટી ગઈ સઘળી ભ્રાંત રે,
તમારું સ્વરૂપ તમે જોઈ લીધું, 
ને જ્યાં વરસો સદા સ્વાંત રે ... જીવ ને.

સદા આનંદ હરિના સ્વરૂપમાં જે 
જ્યાં મટી મનની તાણા વાણ રે;
ગંગા રે સતી એમ બોલિયાં રે, 
તમે પદ પામ્યા નિર્વાણ રે ... જીવ ને.

છૂટાં છૂટા તીર અમને મારો મા રે બાઈજી - ગંગાસતીછૂટાં છૂટા તીર અમને મારો મા રે બાઈજી
મુજથી સહ્યાં નવ જાય રે 
કલેજા અમારા એણે વીંધી નાખ્યાં બાઈજી
છાતી મારી ફાટું ફાટું થાય રે .... છૂટાં છૂટાં તીર

બાણ રે વાગ્યા ને રુંવાડા વીંધાણા
મુખથી નવ સહેવાય રે
આપોને વસ્તુ અમને લાભ જ લેવા
પરિપૂર્ણ કરોને કાય રે ...  છૂટાં છૂટાં તીર

બાણ તમને હજી નથી લાગ્યાં પાનબાઈ
બાણ રે વાગ્યાં ને ઘણી વાર રે,
બાણ રે વાગ્યાથી સુરતા ચઢે આસમાનમાં
ને દેહની દશા મટી જાય રે .... છૂટાં છૂટાં તીર

બાણ રે વાગ્યાં હોય તો બોલાય નહીં પાનબાઈ
પરિપૂર્ણ વચનમાં વર્તાય જો,
ગંગા સતી રે એમ જ બોલિયા
પૂર્ણ અધિકારી કહેવાય જો .... છૂટાં છૂટાં તીર

ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી - ગંગાસતીચક્ષુ બદલાણી ને સુવાંત વરસી, 
ને ફળી ગઈ પૂરવની પ્રીત રે.
ટળી ગઈ અંતરની આપદા, 
ને પાળી સાંગોપાંગ રૂડી રીત રે ... ચક્ષુ.

નાભિકમળમાંથી પવન ઉલટાવ્યો, 
ને ગયો પશ્ચિમ દિશામાંહ્ય રે,
સુસ્તી ચડી ગઈ સૂનમાં, 
ને ચિત્ત માંહી પુરૂષ ભાળ્યા ત્યાંય રે ... ચક્ષુ.

અવિગત અલખ અખંડ અવિનાશી રે 
અવ્યકતા પુરૂષ અવિનાશી રે,
બાળીને સુરતા એમાં લય થઈ ગઈ, 
હવે મટી ગયો જન્મનો ભાસ રે ... ચક્ષુ.

ઉપદેશ મળી ગયો 
ને કરાવ્યો પરિપૂરણ અભ્યાસ રે,
ગંગા રે સતી એમ બોલિયાં 
ને આવ્યો પરિપૂરણ વિશ્વાસ રે ... ચક્ષુ.

ગુપ્ત રસ આ જાણી લેજો પાનબાઈ - ગંગાસતીગુપ્ત રસ આ જાણી લેજો પાનબાઈ! 
જેથી જાણવું રહે નહિ કાંઈ,
ઓઘ રે આનંદના કાયમ રહે, 
ને સેજે સંશય બધા મટી જાય ... ગુપત.

શુરવીર થૈને સંગ્રામે ચડવું પાનબાઈ, 
માયલું મન ફરી ઊભું ન થાય;
કેવળ ભક્તિને તમે એમ પામો પાનબાઈ, 
જેથી જનમ મરણ સહેજે મટી જાય ... ગુપત.

પરપંચનાં તોડી નાખો પડલ પાનબાઈ, 
તો તો પચરંગી પાર જણાય;
જથારથ પદને જાણ્યા પછી પાનબાઈ, 
ભાવ કભાવ મનમાં નહિ થાય ... ગુપત.

મેદાનમાં હવે મામલો મચાવો પાનબાઈ, 
ભજન કરો ભરપૂર,
ગંગા રે સતી એમ બોલિયાં રે, 
વરસાવો નિર્મળ નર ... ગુપત.

કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ - ગંગાસતીકુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ રે,
ને સમજીને રહીએ ચુપ રે,
લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે,
ભલે હોય શ્રીમંત કે ભૂપ રે …. કુપાત્રની પાસે ..

ભજની જનોએ ભક્તિમાં રે’વું ને,
કરવો સ્મરણ નિરધાર રે….
અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને,
બાંધવા સૂરતા કેરા તાર રે … કુપાત્રની પાસે

ઉપદેશ દેવા તો પ્રથમ ભક્તિ દેખાડવી
ને ગાળી દેવો તેનો મોહ રે,
દયા કરીને તેને પાત્ર બનાવો ત્યારે,
રાખવો રે એમાં ઘણો સ્નેહ રે … કુપાત્રની પાસે

સંશય ટળે ને મનડું ગળે ને 
રાખે નહીં કોઈના પર દ્વેષ રે,
ગંગા રે સતી એમ બોલિયાં 
એવાને દેખાડવો હરિનો દેશ રે … કુપાત્રની પાસે

કાળધર્મ ને સ્વભાવને જીતવો - ગંગાસતીકાળધર્મ ને સ્વભાવને જીતવો, 
રાખવો નહિ અંતરમાં ક્રોધ રે
સમાનપણેથી સર્વેમાં વર્તવું, 
ને ટાળી દેવો મનનો વિરોધ રે ... કાળધર્મ.

નિર્મળ થઈને કામને જીતવો, 
ને રાખવો અંતરમાં વૈરાગ રે,
જગતના વૈભવને મિથ્યા જાણી, 
ને ટાળી દેવો દુબજાનો ડાઘ રે ... કાળધર્મ.

આલોક પરલોકની આશા તજવી, 
ને રાખવું અભ્યાસમાં ધ્યાન રે,
તરણા સમાન સહુ સિદ્ધિઓને ગણવી, 
ને મેલવું અંતરનું માન રે ... કાળધર્મ.

ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું, 
ને વર્તવું વચનની માંય રે,
ગંગા સતી એમ બોલિયાં રે, 
એને નડે નહિ જગતમાં કાંઈ રે ... કાળધર્મ.

કળજુગમાં જતિ સતી સંતાશે ને - ગંગાસતી

કળજુગમાં જતિ સતી સંતાશે ને
કરશે એકાંતમાં વાસ રે,
કુડા ને કપટી ગુરુ ને ચેલા 
પરસ્પર નહીં વિશ્વાસ રે ... કળજુગમાં

ગુણી ગુરુ ને ચતુર ચેલો પણ
બેયમાં ચાલશે તાણાવાણ રે,
ગુરુના અવગુણ ગોતવા માંડશે ને
ગાદીના ચાલશે ઘમસાણ રે ... કળજુગમાં

ચેલકો બીજા ચેલા પર મોહશે ને
પોતે ગુરુજી થઈને બેસે રે,
ગુરુની દિક્ષા લઈ શિક્ષા ન માને 
જ્ઞાન કે ગમ નહીં લેશ રે ... કળજુગમાં

ચેલો ચેલા કરી કંઠીઓ બાંધશે ને
બોધમાં કરશે બકવાદ રે,
પેટને પોષવા ભીખીને ખાશે ને
પુરુષાર્થમાં પરમાદ રે ... કળજુગમાં

ધનને હરવા છળ કરશે ને
નિતનવા ગોતશે લાગ રે,
આસન ઉથાપી કરશે ઉતારા ને
વિષયમાં એને અનુરાગ રે ... કળજુગમાં

વાદવિવાદ ને ધરમકરમમાં
ચૂકશે નહીં કરતા એ હાણ રે,
ગંગાસતી કહે એવાથી ચેતજો
કલજુગના જાણી પરમાણ રે ... કળજુગમાં

કળજુગ આવ્યો હવે કારમો રે - ગંગાસતીકળજુગ આવ્યો હવે કારમો રે, 
તમે સુણજો નર ને નાર,
ભક્તિ ધરમ તે માંહે લોપાશે, 
રહેશે નહિ તેની મર્યાદ .... કળજુગ.

ગુરુજીના કીધાં ચેલો નહીં માને 
ને ઘેરઘેર જગાવશે જ્યોત
નર ને નારી મળી એકાંતે બેસશે, 
ને રહેશે નહિ આત્મ ઓળખાણ ... કળજુગ.

વિષયના વેપારમાં ગુરુજીને વામશે, 
જૂઠાં હશે નર ને નાર,
આડ ધરમની ઓથ લેશે, 
પણ રાખે નહિ અલખ ઓળખાણ ... કળજુગ.

એક બીજાના અવગુણ જોવાશે 
ને કરશે તાણવાણ રે,
કજીયા કલેશની વૃદ્ધિ થાશે ત્યારે, 
નહિ આવે ધણી મારો દ્વાર .... કળજુગ.

સાચા મારા ભઈલા અલખ આરાધે
ને ધણી પધારે એને દ્વાર રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે, 
તમે કરજો સાચાનો સંગ ... કળજુગ.

એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ - ગંગાસતીએકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ,
મોટો કહું છું ઇતિહાસ રે,
એ ઇતિહાસ સાંભળશો ત્યારે
પ્રગટશે પૂર્ણ વિશ્વાસ રે ... એકાગ્ર

મનવાણીથી પરની વૃત્તિ જેણે,
મોહજીત એવું એનું નામ રે,
ભજન કરે આઠે પ્હોર હરિનું,
લે છે નિરંતર નામ રે ... એકાગ્ર

વેદ કરે છે જેનાં વખાણ ને
જે ખોજ્યો ન આવે હાથ રે,
બેહદની જેણે ભક્તિ કીધી રે,
એ રમી રહ્યો તેની સાથ રે ... એકાગ્ર

મળવિક્ષેપ જેના મટી ગયા રે,
ટળી ગયા દૂબજાના ડાઘ રે,
ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ,
એવાને પ્રકટે વૈરાગ્ય રે ... એકાગ્ર

અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું - ગંગાસતીઅભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં
ને ન રહેવું ભેદવાદીની સાથ રે
કાયમ રહેવું એકાંતમાં
ને માથે સદગુરુજીનો હાથ રે ... અભ્યાસ જાગ્યા પછી

તીરથ વ્રત પછી કરવા નહીં
ને ન કરવા સદગુરુના કરમ રે,
એવી રે ખટપટ છોડી દેવી
જ્યારે જણાય માંહ્યલાનો મરમ ... અભ્યાસ જાગ્યા પછી

હરિમય જ્યારે આ જગતને જાણ્યું
ત્યારે પ્રપંચથી રહેવું દુર રે,
મોહ સઘળો પછી છોડી દેવો
ને હરિને ભાળવા ભરપૂર રે ... અભ્યાસ જાગ્યા પછી

મંડપ ને મેળા પછી કરવા નહીં
એ છે અધૂરિયાનાં કામ રે,
ગંગા સતી એમ બોલિયા પાનબાઈ
ભાળવા હોય પરિપૂર્ણ રામ રે .... અભ્યાસ જાગ્યા પછી