Pages

Subscribe:
  • નરસિંહ મહેતા

    આદિ કવિ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમા સંભવત : 1414-1480 માં વડનગરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમના પિતાનુ નામ કૃષ્ણદાસ અને માતાનું નામ દયાકોર હતું એમ માનવામાં આવે છે. નરસિંહ મહેતા ત્રણ વર્ષના હતાં...

  • બજરંગદાસ બાપા

    બાપાસીતારામ - બજરંગદાસ બાપાનો જન્મ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનાં આધેવાડા ખાતે રામાનંદી સાધુ હીરાદાસને ઘરે થયો હતો. તેમની માતાનું નામ શિવકુંવરબા હતું. પિતા હીરાદાસને ત્રણ પુત્રો હતા તેમાંના એક બજરંગદાસ બાપુ. બજરંગદાસ બાપાનું સાંસારિક નામ ભક્તિરામ હતું...

  • મેકરણ દાદા

    આપણા સૌરાષ્ટ્રની ભૂમિ મહાપુરુષોને કારણે ઘણી પાવન છે. તેમજ ગુજરાતના અન્ય પ્રદેશોમાં પણ મહાન સંતો થઈ ગયા છે. એવા એક મહાન ઓલિયા સંત શ્રી દાદા મેકરણ ક્ચ્છ પ્રદેશ માં ૧૭મી સદીમાં થઈ ગયા હતાં. સંત દાદા મેકરણ નો જન્મ ક્ચ્છ જીલ્લાના ધ્રંગ ગામે ભાટ્ટી રાજપૂત હરગોપાલજીના ઘરે...

Showing posts with label અંકિતા રાદડિયા 'શ્વેત' - Ankita Radadiya 'Shwet'. Show all posts
Showing posts with label અંકિતા રાદડિયા 'શ્વેત' - Ankita Radadiya 'Shwet'. Show all posts

03 June 2017

આનાથી રૂડું શું?


હોય ધરતીની લીલી પથારીને
માથે વાદળીની મુલાયમ ચાદર
આનાથી રૂડું શું?
મુઠ્ઠીભર ધાન્યનાં દાણાંને
ખોબલી ભરીને જળ
આનાથી રૂડું શું?
ગામ વચ્ચે રળિયામણો ચોકને
સાથે રંગીનમિજાજી દોસ્તોની ટોળ
આનાથી વળી રૂડું શું? 
ચોમેર હોય હવા તાજીને
ઘરે ઘરે બાળકો હોય રાજી
આનાથી રૂડું શું?
મારું મારું મટીને બને બધું આપણું 
એવી પ્રાર્થના પ્રભુને રોજ 
આનાથી રૂડું શું?
- અંકિતા રાદડિયા 'શ્વેત'

યાદ રહી ગઈ...તું નથી પણ તારી યાદ રહી ગઈ, 
કાજળભીનાં નયનોમાં ભીનાશ રહી ગઈ.. 

કાજળ રેલાય એ આંખોમાંથી 
આંસુ તો સુકાય ગયા પણ કાળાશ રહી ગઈ..

તું નથી પણ તારી યાદ રહી ગઈ, 
પવનમાં ઝૂલતી ઓઢણીની વાત રહી ગઈ, 

ટાંકેલા આભલાં તૂટ્યા એમાંથી પણ
સરકતા પાલવની રંગીન ભાત રહી ગઈ..

તું નથી પણ તારી યાદ રહી ગઈ, 
અર્ધખુલ્યા હોઠોમાં વાત રહી ગઈ, 

ના કહેવાયેલા શબ્દો રેલાય એમાંથી 
અવાજ તો ઓગળી ગયો ક્યાંક હવામાં પણ
આ અક્ષરોની ધૂંધળી છાપ રહી ગઈ.
- અંકિતા રાદડિયા 'શ્વેત' 

હૈયું હાથમાં ના રેય...જામ છલકાય જોમનાં
મનડું સંગ ના રેય. 

ઉડે ક્યાંક ક્ષિતિજથી પરે
વાદળોનાં વનમાં,

ઢીલખેંચ મૂકી લડે દાવપેચ એ
પ્રેમનાં વહેમમાં. 

ચોટ ખાય જ્યારે એ 
પોતીકી હવાની ઝપાટથી

ગમે તેટલું ચગાવી લે હવે 
એકપળ પણ સ્થિર ના રેય.. 

બસ એવી જ કંઈ રીતે 
હૈયું હાથમાં ના રેય..
- અંકિતા રાદડિયા 'શ્વેત' 

દોસ્તી...


ચાલ.. કંઈક આમ કરીએ 
દોસ્તીની નવી શરૂઆત. 
થોડાંક ડગલાં તું ચાલજે
ને થોડાઘણાં હું ચાલીશ. 
પાડશું આ ધૂળિયા માર્ગમાં 
ક્યારેક દૂર તો 
ક્યારેક પાસે આવતાં 
પગલાંની ભાત. 
ચાલ.. કંઈક આમ કરીએ 
દોસ્તીની નવી રજૂઆત. 
થોડાઝાઝું તું કેજે
થોડાઝાઝું હું કહીશ. 
લખીશું આ કોરા વાદળો પર 
અમુક હસીન તો
અમુક ગમગીન 
સોપાનની વાત.
- અંકિતા રાદડિયા 'શ્વેત' 

જો જે ને...


ચાદરની દરેક સલવટોને સિફતપૂર્વક ભાંગીને બન્ને છેડા બરાબર સરખું કરીને, 
બેડ પર પરફેક્ટ શ્વેત ચાદર પાથર્યા પછી પણ 
વારંવાર પડતી લપળી સલવટની જેમ જ
જો જે ને.. 

હું તારા સ્મરણમાં આવતી રહેવાની..
લિવિંગહોલનાં સેન્ટરમાં વિરાજમાન ટેબલ પર રહેલી ધૂળને 
ગમે તેટલી સાફ કરવા છતાંય 
ફરી એ જેમ ત્યાં આવી બિરાજે છે 
એવી જ રીતે 
જો જે ને..

હું તારા સ્મરણમાં આવતી રહેવાની..
બાળકનાં માસુમ મલકતાં મુખ પર
અકારણે વારંવાર આવીને ફરકતાં 
નિર્દોષ હાસ્યની જેમ જ.. 
જો જે ને.. 

હું તને યાદ આવતી રહેવાની..
- અંકિતા રાદડિયા 'શ્વેત' 

હું તને ચાહું છું...


ખબર નથી મને પ્રેમની પરિભાષા 
ને બેખબર હું એકરારથી. 
મેળવવું ગુમાવવું મારા હાથમાં નથી, 
પણ હા સનમ.. 
એટલું તો છે જ કે હું તને ચાહું છું..

એવું નથી કે તારા વિના જીવી લઈશ હું, 
એવું પણ નથી કે તારા વિના મરી જઈશ હું. 
જીવવું મરવું મારા હાથમાં નથી, 
પણ હા સનમ.. 
એટલું તો છે જ કે હું તને ચાહું છું..

ખાતરી નથી આપતી કોઈ કે
સાત જન્મોનાં સાથ નિભાવીશ, 
એવું પણ નથી કે પલભર તારાથી જૂદી થઈશ..
મળવું છૂટવું મારા હાથમાં નથી, 
પણ હા સનમ.. 
એટલું તો છે જ કે હું તને ચાહું છું..
- અંકિતા રાદડિયા 'શ્વેત' 

02 June 2017

શ્યામ..


શ્યામ.. તારી આ ભોળી રાધા, 
મોહજગતમાં ખોવાણી. 
તારા ઉત્પલસમ ઋજુ ઓષ્ઠ જોઈને, 
ભમરાની જેમ લોભાણી. 
સાનભાન ના રહે કોઈ વખતનું, 
ને ખુશ્બોની સૂરાવલીમાં ખેંચાણી, 
પીને હીરનો અમૃતપ્યાલો
મેઘની જેમ છલકાણી.


- અંકિતા રાદડિયા 'શ્વેત' 

ગરબે..આજ મને ગરબે ઘૂમવા દે, 
તારી પ્રિતસંગ મને રંગાવા દે. 
ગમતાં નથી બંધન જમાનાનાં, 
મારા ઝાંઝરનાં ઘૂંઘરુને રણકવા દે. 
ઉતાવળી થાય મારી નવરંગી ઓઢણી, 
સોળ શણગાર મને સજવા દે. 
સોહામણી બનાવીશ આજની રાત હું મારા શૃંગારથી.. 
બસ.. આજ મને તું ગરબે ઘૂમવા દે..


- અંકિતા રાદડિયા 'શ્વેત' 

હ્રદયનાં સરનામેથી...લખું કાગળ તમને સૈંયા
હ્રદયનાં સરનામેથી..

કાગળ નથી પણ પ્રેમનું ભાથું
જાણજો એને જીવથી રે.

પ્રિયે મારા, હેમખેમ છો ને?
પૂછતો કડીએ કડીએ રે

કયે કાળ મળશો તમે?
એ પ્રશ્ન રોજ મૂંઝવતો રે.

દેજો ઉત્તર વહેલાં, વ્હાલાં
ઓતરની વાટું નિરખું રે,

આવશો તમે જે ઘડીએ
એ ઘડીને નિરંતર ઝંખુ રે.

મળ્યાં કાગળ તારાં સૈયર
હ્રદયનાં સરનામેથી..

પ્રેમથી જમ્યું એ પ્રેમનું ભાથું
જાણ્યું વિશેક જીવથીયે રે.

દીસે એમાં શબ્દે શબ્દે
કૂણી કૂણી લાગણી રે

તમ વિનાં થોડી મળે?
અહીંયા સુખની છાવણી રે..

રેજો ક્ષેમકુશળ.. વ્હાલી,
દર્શન તમારા ઝંખુ રે,

બાજી જીતી પણ કાળની
સૈયર.. ઝટ મળશું સરખું રે.

- અંકિતા રાદડિયા 'શ્વેત'

લીલાં પાંદડાંની કોર...જોતી તી હું એમની વાટ
ને જોઈ મેં લીલાં પાંદડાંની કોર.. 

સૂરજનાં સોનલ પ્રકાશમાં 
ધૂળ રજકણનો શોર. 

સ્નેહફૂલ ખીલ્યાં મનતણાં બાગમાં, 
નર્તન કરે એમાં મનગમતાં મોર. 

જોયું કોઈ ડાળ પર પંખીનું જોડું, 
તમપાસ આવવા દિલ કરે જોર. 

એંધાણ નથી કોઈ એનાં આગમનનાં
ને વાટમાં જ ઢળી ગઈ બપોર.

- અંકિતા રાદડિયા 'શ્વેત' 

ચંદરવાની મુલાકાતે...શમણાંને ઝાંઝરમાં પરોવી 
હું તો નીંદરબજારે ચાલી 

ઘડીક મળે શ્વેત ચાંદલીયો 
તો ઘડીમાં વાદળી વ્હાલી 

ઝમ્મકઝમ્મ ઝંકારમાં 
તારલાં થયાં ઘેલાં..

ટમટમ કરતાં કેતા મને 
આવજો કાલે વહેલાં

હજું લટાર મારી ચંદરવામાં 
ત્યાં તો રાતની રાણી થાકી 

ભરી જામ શીતચાંદનીનાં 
ચાંદ બન્યો ખુદ સાકી..
- અંકિતા રાદડિયા 'શ્વેત'

તને યાદ છે?


તારા એ
ઘૂંઘરાળા શ્યામલ કેશ વચ્ચે સોહાતા
સુંદર સ્નેહલ ચહેરા પર સ્મિતનું સદાયે 
છલક છલક છલકવું.. 
અને.. 
હોઠની એ રતુંબડી સુગંધી કળીઓમાંથી 
સ્નેહભર્યા શબ્દઝરણનું 
સરક સરક સરકવું.. 
મને હજુયે યાદ છે..
સૂકાં પાંદડાંનાં ખખડાટ અને સૂસવતાં પવનનાં ફફડાટ વચ્ચે
તારું એ લચકતી વેલની જેમ 
ઢળક ઢળક ઢળકવું.. 
અને.. 
મૌન મીઠી મધરાતે..શ્વેત ચાંદનીનાં અજવાળે 
ને જીર્ણ ઝાડનાં સથવારે, 
બે હૈયાંનું ધબક ધબક ધબકવું.. 
મને તો હજુયે યાદ છે.. 
શું તને યાદ છે??
-અંકિતા રાદડિયા 'શ્વેત' 

તારું મારું ને આપણું...


સૂની શાંત શેરી
આછું ઓગળતું અંધારું 
ને શહેર જાણે મારું થયું.. 
છૂટયો તું 
દિવસો વીત્યાં
ને અંતર વધ્યાં.. 
પણ
ઝરુખો, ઝાંપો ને આંગણું 
ગલી, ચોક ને તાપણું 
નામ બધે તારું થયું.. 
પરંતુ 
શર્મીલો અવાજ 
દિલનો સાદ 
હોઠનો સ્વાદ 
હાથોમાં હાથ
આટલું તો આપણું થયું.
- અંકિતા રાદડિયા 'શ્વેત'

તું હું ને સડક...


રેલ્વેટ્રેકને સમાંતરે જતીએ એકલી અટૂલી સડક પર

બે જણ જુદાં થવા જ જણે મળ્યાં તાં.. 
આભમાં સંતાતા સૂરજની સાખે જીવનપથ અલગ કર્યા તાં..

મારાથી અજાણે જ સડકને કહેવાય ગયું
જે સાંભળી એનું પણ મન ભરાઈ ગયું

"કેજે એને આવે જ્યારે 
કદાચિત તને મળવા,

મેં હસતાં મુખે દિલનાં દુઃખો 
કોઈને દીધા ના કળવા.. 

નથી એવી કોઈ સાંજ, 
ઢળે તારી યાદ વિના

નથી એવો કોઈ દિન, 
ઉગે તારા નામ વિના."

હું તો પસાર થઈ ગયો 
કહી આટલાં બોલ, 

થંભી ગઈ એ પછી જાણે
કરતી ભાવનાં તોલ. 

ગૂંચવાતી મૂંઝાતી અટવાતી
સડક આવું કંઈક કહેવા માંગતી 

પણ સાંભળું કશુંક હું એ પહેલાં 
વખતની રમત જામતી.

"એ આવ્યાં તાં તો તને મળવા
પણ થઈ ગઈ મારી ભેટ

બોલી તી એ ઉતાવળે કે
તું હોત તો આવું કંઈક કેત

જીવું છું હું જીંદગી 
તારાથી એક પન્નુ પાછળ
હજું પણ સૂકાયું નથી

આંખોનું આ ઝાકળ
જ્યારથી તે આંખોએથી

રોળાવ્યું છે કાજળ
ત્યારથી આ 'શ્વેત' લખે

તારા નામે કાગળ."
વર્ષો બાદ ફરી ત્યાંથી પસાર થતાં,

-અંકિતા રાદડિયા 'શ્વેત'

પનઘટે...વૃંદાવન પનઘટે
આજે મટકી ઢોળી
ધરાઈને પીધી તને
વ્હાલમાં ઝબોળી
આમ ક્યાં જાવ મને
અરધે તોલે તોળી
તમ વિના લાગે હવે
માખણમિશ્રી મોળી
તારી ઝાંઝરીનાં શોરે
રાત મારી રોળી
નજરું મિલાવો હવે
સ્નેહમધ ઘોળી
હું તારો કાન 
મારી રાધા તું ભોળી.
-અંકિતા રાદડિયા 'શ્વેત' 

એમ ને એમ...તારે તો એમ ને એમ ચાલ્યાં જવું પણ 
મારે તો એમ ને એમ ખોવાવાનું ને?

તારે તો વાદળ બની વિખેરાવું પણ
મારે તો વરસાદ બની ઢોળાવાનું ને?

તારે તો ઓજસ થઈ પથરાવું પણ
મારે અંધાર બની અથડાવાનું ને?

તારે તો ઝાકળ જેમ ઝળકવું પણ
મારે તો પાંદડી બની રડવાનું ને

તારે તો પુષ્પ બનવું સોહામણું પણ
મારે તો સુગંધ બની વેરાવાનું ને?

તારે તો એમ ને એમ ચાલ્યાં જવું પણ 
મારે તો એમ ને એમ ખોવાવાનું ને?
- અંકિતા રાદડિયા 'શ્વેત' 

તમને જોયાંને...


તમને જોયાંને ઓઝલ થયાં
મારી રાતોનાં સપનવૃંદ

કારણ વિનાં વરસતાં રહ્યાં
નયનેથી બુંદ બુંદ..

પલેય ના રહે શાંત ચિત્ત ને
શબ્દો જાણે ગુમસુમ

મલકતે હૈયે ઉમટ્યા 
સ્નેહસ્પંદન રૂમઝૂમ..

ગુંજન કરે કર્ણમાં
બસ તમારા નામની ધૂન,

આવ..હવે ગળે લગાવી
દિલની ધબકાર સૂણ..

-અંકિતા રાદડિયા 'શ્વેત' 

સ્વપન મહેલતારો ને મારો સપનાનો મહેલ

હશે કયાંય દૂર ક્ષિતિજને પાર
નહીં કોઈ બંધન હોય ત્યાં

નહીં કોઈની નકામી દખલ..
હશે બસ ફૂલો જેવો પ્રેમ પાંગરતો

આનંદ ને આદરની સુંગધ પ્રસરાવતો..
લીમડાનાં ઝાડનાં મીઠા છાંયે

કોઈ દ્વિજયુગલ માળો બનાવી 
મહેલનાં ફળિયાને ગુંજતુ રાખશે..

ને ડેલીએ આવેલ ચબૂતરે
પંખીઓ આવી આપણા મહેમાન બનશે..

કોઈ ઉઘડતી પ્રભાતે નદીકિનારે
એક હાથમાં ચાનો કપ ને 

બીજો હાથ એકમેકમાં લઈ
કલાકો સુધી આપણે

નજરનાં તાંતણે વાતો પરોવીશું..
કયારેક અરૂણાસ્ત સમયે

મહેલનાં કોઈ સુંદર ઝરૂખેથી
આકાશને લાલપીળા રંગોમાં 

અસ્તવ્યસ્ત વિખેરાતું નિહાળીશું..
ને મહેલનાં સૌથી શૃંગારિત શયનખંડમાં

કોઈ શાંત ખૂણે પારણાંમાં પોઢેલા 
આપણા અંશને ઝૂલાવીશું..
ક્ષિતિજને પાર..

આપણે આવો કોઈ મહેલ બનાવીશું..
 - અંકિતા રાદડિયા 'શ્વેત' ડૂબવા દે...તારા હોઠોની મસ્તીમાં મને ડૂબવા દે
તારા આંખોનાં પલકારામાં મને રમવા દે.

નથી જવું તારાથી ક્યાંય દૂર
તારા જ સંગાથે મને રહેવા દે.

તારા શ્વાસથી ચાલે છે મારા શ્વાસ
એ શ્વાસોની સુગંધ મને માણવાં દે.

ખોવાઈ જઈશ હું ક્યાંક તારામાં
ફૂલોને તું રાખ,આ કાંટાઓ મને ચૂંટવા દે.

નથી ગમતું તારા ચ્હેરા પર ગમગીન લહેરખું,
સ્મિતનું પતંગિયું ત્યાં તું ઉડવા દે..

- અંકિતા રાદડિયા 'શ્વેત'

કંઈક કહેવું તું...હતો જ્યારે તું નજરો સામે
મારી આંખોને કંઈક કહેવું તું,

કે લઈ જા સાજન તારી સાથે
તારું મનગમતું ફૂલ મારે બનવું તું.

ઝાડ પાસેથી માંગી લીલીછમ્મ લીલાશ
બારણે લીલાં તોરણ બાંધવા તાં,

ને સવાર પાસેથી લઈ ઝાકળબિંદુ
બારીએ પડદાંરૂપે શણગારવા તાં.

લઈ ફૂલો પાસેથી રંગ ઉધાર
ઘરઆંગણે રંગોળી પૂરવી તી,

ને ટહુકા ચોરી કોયલનાં
સંગીતની રમઝટ રેલાવવી તી.

દિન પાસેથી લઈ અજવાળું
તારા સેજની ચાદર ગુંથવી તી,

ને લઈ રજની પાસેથી ટમટમતાં તારલાં
તારા ઘરની છત સજાવવી તી.

નદીકાંઠે વસાવી આવું નાનકડું ઘર
મારા દિલની વાત તને કહેવી તી,

કે લઈ જા સાજન તારી સાથે
તારું મનગમતું ફૂલ મારે બનવું તું.


- અંકિતા રાદડિયા 'શ્વેત'